15 - ૧૫ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      મને લાગે છે લાઇબ્રેરીમાં જતાં પહેલાં છાપામાં ‘આપની આજ’ જોઈ લેવી જોઈએ. જો કાર્યમાં સફળતા હોય તો જ જવું. આ વાક્ય પૂરું કરતાં-કરતાં લાગ્યું, આ તો મુહૂર્ત જોઈને મોડર્નિઝમ વિષે લખવા જેવું થયું !

      આજે બ્રિટિશ લાઇબ્રેરી ગઈ હતી. જરૂર તો હતી ડી.એચ.લોરેન્સની નવલકથા ‘લેડી ચેટરલીઝ લવર’ની પરંતુ એ પુસ્તક તો બાન છે. એટલે થયું કે લોરેન્સ વિષે કોઈ સારું વિવેચન મળે તો એકવાર જોઇ લઉં. કહેવાય છે કે ‘નદી કે દ્વીપ’માં અજ્ઞેયે અને ‘સૂરજમુખી અંધેરે કે’માં કૃષ્ણા સોબતીએ સ્ત્રી પુરુષ સંભોગનાં જે કાવ્યાત્મક વર્ણન કર્યાં છે એના પર લોરેન્સની અસર છે.

      પુસ્તક ન મળ્યું.
      પાછા વળતાં લાલ દરવાજા પાસે એક ગમી જાય એવી વ્યક્તિને જોઈ. આછું વાદળી પુલઓન, સફેદ પેન્ટ, વાંકડિયા વાળ, મૂછનો પાતળો દોરો અને ઘઉંવર્ણા ચહેરા પર આછું સ્મિત, વહાલ અને ધીરજથી એ હાથ પકડીને ચાલતા બાળક સાથે વાતો કરે. બાળક પણ સુંદર, સ્વસ્થ અને ચપળ. બંને જણા ધીરે ધીરે ગોષ્ઠિ કરતા સારવ રેસ્ટોરન્ટનાં કોર્નરથી અપના બજાર તરફ જતા હતા. જોતાં જ થયું, પરિચય કરી શકાય.

      એક વાર્તાનો પ્લોટ મનમાં ગોઠવાવા લાગ્યો. આવા પિતા-પુત્રને જોઈ એક યુવતીનું રોકાઈ જવું. કહેવું, ‘તમે ગમી જાવ એવા છો.’ ક્ષણ બે ક્ષણના સાથ પછી છૂટાં પડી જાય, અજાણ્યા બનીને. પરંતુ એ સદભાવ ચિરંતન બને. શું એક વ્યક્તિ બીજીને ન કહી શકે કે તમે ગમી જાવ એવા છો ! સૌંદર્યનું નૈવેદ્ય આથી વિશેષ શું હોઈ શકે ?

      આ વૃંદા ય ખરી છે ! ગઈ તો ગઈ પાછી વાસી ઉતરાયણ કરવા ય રોકાઈ ગઈ.


0 comments


Leave comment