16 - ૧૬ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે પણ વૃંદા નથી. બે દિવસ પછી આવશે. એનાં ભાભીને ઠીક નથી. જ્યારે એનો ફોન આવ્યો ત્યારે એટલો ગુસ્સો આવ્યો... જાણે વર્ષોથી હું અને વૃંદા સાથે જ ન રહેતાં હોઈએ ! મારું મન બહુ જલદીથી નવી પરિસ્થિતિમાં ગોઠવાઈ જાય છે... કશું ય નવું ખાસ ખૂંચે કે કઠે નહીં એટલે ચેઈન્જનો અનુભવ પણ બહુ તીવ્ર ન હોય.

      આજે સવારે વૃંદાના ફોન વખતે ઓફીસમાં ખરી થઇ ! કામવાળી સવિતા ઓફિસ વાળતી હતી. ફોન પર વૃંદાએ કહ્યું કે એને ય ઘેર નથી ગમતું. મેં કહ્યું, ‘સાચ્ચે?’
      ‘હા, મારી મીઠડી હા, લે આ તારા ગાલે....’ વૃંદાના આ અચાનક ચુંબનથી કંઈક હતપ્રભ, અને કર્ણમૂલે રોમાંચિત હું લગભગ ખોડાઈ જ ગઈ. ત્યાં મને જોઈ સવિતા બોલી ઊઠી, ‘તે કંઇ માઠા હમાચાર તો નથી ને બોન !’

      બિચારી સવિતા.... એને મારા માટે કંઈક સોફ્ટ કોર્નર છે. ઘણી વાર એની છોકરી કાળી કામ ન કરે ત્યારે મારી પાસે ફરિયાદ લઈને આવે. ‘બોન આને કંઈક હમજાવોને’ આને ચ્યાં બાપ કમાય સે તે હારું ઘર મળશે....’ કહેતી એ કાળીને મારી સામે હાથ ચીંધીને કહે, ‘જો આ મીરાંબોનેય નોકરી હાટું નથી ભણતાં.....’

      હરામ હાડકાંના પતિને છોડીને ભાઈ સાથે રહેતી સવિતાને મન કદાચ કાળી અને હું સરખાં છીએ !

      મેસનો કોન્ટ્રાક્ટર મામો (કાળીનો મામો એટલે અમારો ય) એને ઘણીવાર સમજાવે છે, નાતરા માટે. છોકરી તો હોસ્ટેલનાં કામમાં ગોઠવાઈ જશે. પરંતુ છોકરીને મૂકીને જતાં એનો જીવ ચાલતો નથી અને સાથે લઈ જાય તો કાળીને આંગળિયાતનું કાયમી મેણું ખાવું પડે... અને દસ વર્ષની સમજણી છોકરી સામે નવો સંસાર કઈ રીતે મંડાય ? હજી તો માંડ ત્રીસની હશે સવિતા... કાળીના સાસરે ગયા પછી ? અચાનક મારા કાનમાં ગુંજી ઊઠ્યો હીંચકાનો અવાજ... ખટ્... ખટ્... ખટ્... અધરાત.... મધરાત.... ખાતે હીંચતી રહેતી મમ્મી.


0 comments


Leave comment