17 - ૧૭ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      ડૉ. જૈનને ત્યાં પહોંચી ત્યારે સલિલ બેઠો હતો. એને પણ આજની એપોઇન્ટમેન્ટ મળી હતી. બેઠકમાં પેસતાં જ સલિલે મને સંકેતમાં કહ્યું, ‘અપન તો ગયે.’ શું થયું હશે ? ત્યાં અંદરના રૂમમાંથી સાહેબ આવ્યા. ‘બોલો મીરાંજી, કેટલું આવ્યું?’ મેં ચેપ્ટર આપ્યું. આવતે અઠવાડિયે પાછી બોલાવી છે. બહાર નીકળતા સાહેબે સલિલને ટપાર્યો, ‘તને સ્કોલરશિપ મેં રિસર્ચ કરવા માટે અપાવી છે, સમજ્યો ?’

      સાહેબ સામે તો સમસમીને ચૂપ રહેલા સલિલનો ક્રોધ ચ્હાની કિટલી પર બરાબર ભભૂક્યો. સાહેબ, સ્કોલરશિપ અને રિસર્ચ ત્રણેયને ભાંડતા સલિલને મેં કહ્યું કે, ‘આ એક ચક્રવ્યૂહ છે, એમાં આ નહીં તો બીજા કોઠામાં તું સપડાઇસ. ગાઈડ બદલવા કે સ્કોલરશિપ છોડવી એ કોઈ ઉકેલ નથી. મને તું જરા માંડીને વાત કર.’

      પહેલીવાર ખબર પડી કે સાક્ષર પંડિતોનાં વેર અને દ્વેષનાં શસ્ત્રો કેટલાં સૂક્ષ્મ અને ઝેરીલાં હોય છે ! સલિલ અને રુચિની મિત્રતા ડૉ.જૈનને બિલકુલ પસંદ નથી. કારણ કે રુચિ ડૉ.ત્રિપાઠીની સ્ટુડન્ટ છે, જેમણે બોર્ડ ઓફ સ્ટડિઝમાં ડૉ. જૈનને હરાવેલા. ક્યાં શિક્ષણની રાજનીતિ અને ક્યાં આ બે વ્યક્તિના અંગત સંબંધ ?


0 comments


Leave comment