18 - ૧૮ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      પ્રતીક્ષા કરતી વખતે તમને લાગે કે તમે કેટલું બધું કરી રહ્યા છો અને કશું જ નથી કરી રહ્યા. એક બાજુ તમે જાતને એકદમ પાંગળી અનુભવી રહ્યા હો અને બીજી બાજુ થનગનતી ! સરવાળે બધું શૂન્ય.

      માંડ દિવસ પૂરો કર્યો. સવારે સનસિલ્કની ખાલી બોટલમાં સૂરજમુખીનાં ફૂલ ગોઠવ્યાં. થોડો સમય ફૂલોએ રૂમને છલકાવી દીધો. પરંતુ આજે લાઇબ્રેરીથી આવી ત્યાં એનું એ. જાણે હમણાં જ કોઈને વળાવીને આવી છું. ટેબલ પર બેઠી પણ મન... મોતી પરોવવા જતી હતી અને વારેવારે હાથમાંથી સરી જતું હતું. આછા અજવાળામાં દીવાલો મારા તરફ ખસતી હતી. ચીમળાયેલાં ફૂલો મારા ચાળા પાડતાં હતાં.

      મને સમજાતું ન હતું. આ ઉદાસી, એકલતા શું વૃંદાની પ્રતીક્ષાને કારણે છે ? હું તો આટલાં વર્ષોથી એકલી રહું છું. મને ક્યારે ય કોઈની એકદમ નિકટ જવું બહુ અનિવાર્ય નથી લાગ્યું. જ્યારે ડબલ સીટેડમાં રહેતી ત્યારે તો ખાસ ઈચ્છતી કે સાંજે રૂમમેટ ન હોય તો સારું. બંધ રૂમમાં ખુલ્લી બારી પાસે બેસીને, જાત સોંપી દેતી સાંજને. મને લાગતું જાને હું ગાડીમાં બારી પાસે બેઠી છું. આખી ગાડીથી અલગ હું નીકળી પડતી સફરે... પરંતુ આજે....

      થેંક ગોડ, ઉષાએ આવીને મને કાટમાલ નીચેથી ખેંચી કાઢી. કહે, ‘ચલ તને સરસ વસ્તુ બતાવું.’ એ આજે લલિત-કલા અકાદમી દ્વારા પ્રકાશિત ‘પોર્ટફોલિયો ઓફ કન્ટેમ્પરરી પેઈન્ટિંગ્ઝ’ ખરીદી લાવી છે. એમાં રવીન્દ્ર નાથ, અવનીન્દ્રનાથ, નંદલાલ બોઝ, જામિની રાય, અમૃતા શેરગિલ અને ક્ષિતિન્દ્રનાથ મજુમદાર વગેરેનાં ચિત્રોની પ્રિન્ટ્સ છે.

      ચિત્રકલામાં મારી બહુ ગતિ નથી. ક્યારેક ચિત્રાત્મક કવિતા કે વર્ણનો વાંચીને ચિત્ર દોરવાનું મન થઇ જાય તો ક્યારેક લારીમાં ગોઠવેલી બંગડીઓ કે શાકભાજીના કલર કોમ્બિનેશન લલચાવે રંગોની રમત કરવા. ખેર, પરંતુ એમાં મને રવીન્દ્રનાથનું ચિત્ર ‘હેડ ઓફ aઆ વુમન’ વધુ સ્પર્શી ગયું. કદાચ રવીન્દ્ર સાહિત્યના પરિચયને કારણે મને એ નજીકનું લાગ્યું હોય.

      ઓરેન્જ બેકગ્રાઉન્ડમાં ઘેરા કાળા-કંઈક ઘેર જાંબલી જેવા વસ્ત્રમાં લપેટાયેલો એક લંબગોળ ચહેરો. ચહેરાનો ડાબો ભાગ અને કપાળનો પોણો ભાગ આછા અંધારામાં છે. ચહેરાના જમણા ભાગમાં કપાળનો ભાગ, નાકનો ભાગ (પ્રકાશિત હોવાને કારણે નાકનું ટેરવું કંઈક મોટું), સહેજ ભારે નીચેનો હોઠ અને ચિબુકનો ભાગ પ્રકાશમાં છે. આંખો મોટી છે. ડોળામાં સફેદને બદલે જર્દ પીળો રંગ છે. કાળી કીકીની મધ્યમાં એકદમ ચમકતાં બેએક સફેદ જેવાં ટપકાં છે.

      અહીં કવિએ રંગના વિરોધ તથા લાઈટ અને શેડનો સરસ ઉપયોગ કર્યો છે.

      ઓરેન્જ બેકગ્રાઉન્ડમાં એકદમ ઊઠી આવતો કાળા-જાંબલી વસ્ત્રમાં વીંટળાયેલો ચહેરો, લંબગોળ આકારના ચહેરામાં લાઈનનો ફોર્સ અનુભવાય, વળી લાઈટ-શેડને કારણે બહુધા મૌન કંઈક મુખર ચહેરો એકદમ ઉદાસ, કોઈ ચિંતામાં ગરકાવ પરંતુ મુખર અણીદાર નાક અને ચિબુકથી અસર્ટ કરતો અને ચમકતી કીકીમાં કંઈક પડકાર, પ્રશ્ન.....

      કહેવાય છે કે ચિત્રમાં રહેલું રહસ્યતત્વ આ ચિત્રની સુંદરતા છે.
      ખબર નહીં, મને ચિત્રમાં જે દાખાયું એ સાચું હશે કે ખોટું ? પરંતુ મને લાગે છે મૂળે દરેક કલાકૃતિ છેવટે ભાવકની પોતાની ઉપલબ્ધિ હોય છે.


0 comments


Leave comment