20 - ૨૦ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      ગઈકાલે મારા અને વૃંદાના સંબંધમાં કંઈક ઉમેરાયું... કદાચ.
      દિવસ આખો વૃંદાની રાહ જોઈ. છેવટે ચાર વાગ્યે ખુદથી જ કંટાળીને પલંગ પરથી ઊભી થઇ. માથું ધમધમતું હતું. થયું, લાવ નાહી લઉં. બપોરે ગિઝર રિપેર થઇ ગયું છે. નહાવા જતાં મને ઉજ્જવલા યાદ આવી. એ હંમેશા સાંજે નહાય. પછી તૈયાર થઈ બહાર જાય. શુભાંગી કહેતી હતી કે આજકાલ એની દોસ્તી આઈ.આઈ.એમ. ના કોઈ સરદાર સાથે થઇ છે. બાથરૂમ બંધ કરતાં થયું હું કોના માટે તૈયાર થાઉં છું ?

      સાંજે વૃંદા આવી ત્યારે હું ખુરશી પર બેસીને વાંચવાનો પ્રયત્ન કરતી હતી. પીઠ પર પથરાયેલા નિતંબપુર વાળ અને પેરેટગ્રીન બેકગ્રાઉન્ડ પર હળદર પીળારંગની બોર્ડરવાળી મમ્મીની, મને અતિપ્રિય એવી સિલ્કની સાડી. મૂડને કંઈક ઠેકાણે લાવવા કરેલો ઠઠારો.

      એ આવી એનાં આવતાંની સાથે જ એની સુગંધની છોળ રૂમને તરબતર કરી ગઈ. એની તીવ્રતા અનુભવાતાં અનાયાસ શિરીષની સુગંધ યાદ આવી ગઈ. મેં એના પગલાં પારખ્યાં. પરંતુ રીસમાં મોં ફેરવીને બેસી રહી. એણે ધીરેથી મારા વાળ પર હાથ ફેરવો. બોલી, ‘જો સૂરજ તારા વાળમાં સોનાની સેરો ગૂંથી રહ્યો છે.’ હું ન હલી. એણે મારા ખભા પર હડપચી ટેકવીને કહ્યું, ‘યાદ છે તને, આપણે એક વખત સ્કૂલમાં રાજસ્થાનના પ્રવાસે ગયેલાં. ત્યારે રસ્તામાં કેટલાં બધાં રાઈનાં ખેતર જોયેલાં. અત્યારે તું અદ્દલ એવી જ લાગે છે. આથમતા સૂર્યના રેશમી અજવાળામાં ડોલતું રાઈનું ખેતર....’ એ બોલતી હતી અને એના હોઠનાં હલનચલન અને અવાજનાં કંપનથી મારા ખભા, કર્ણમૂલ, ગરદન અને ગાલની ભીતર પડેલું કંઈક સળવળતું હતું. કોઈ રાખ વળેલા અંગારાને ફૂંકતું હતું.

      હું ઊભી થઈ બહાર જવા લાગી તો તે આડી ઊભી રહી ગઈ. મારા ખભા પકડીને એણે નજર બચાવતી મારી આંખો પકડી લીધી. એના ચહેરા પર સ્મિત હતું. મને થયું હું એના ગાલના ડિમ્પલમાં ડૂબતી જાઉં છું. ક્યારે એણે મને પલંગ પર બેસાડી, ક્યારે એણે મારા ખોળામાં માથું મૂક્યું, ક્યારે એણે મારા વાળથી અમારા ચહેરા ઢાંકી દીધા, ક્યારે એણે.... કંઈ જ ખબર ન પડી. આછા શ્યામ ઉજાસમાં એની અપલક આંખોને જોતી મારી અવશ આંખો. મારા ગળામાં હાથ પરોવી મારો ચહેરો નજીક ખેંચતા એ બોલી, ‘યાદ છે, “નદી કે દ્વીપ”ના ભુવનની અભિલાષા?’

      અનાયાસ હું બોલી ઊઠી,
‘મુશ્ક-બૂ-એ-જૂલ્ફ ઉસકી ઘેર લે જીસ જા હમેં
દિલ યે કહેતા હૈ ઉસીકો અપના કાશાના કહે.’

      કહેતા મારી આંગળીઓ આપોઆપ એના ચહેરાને ટ્રેસ કરવા લાગી. એની સુડોળ ભ્રમર, મોટી આંખોને ઢાંકતી લાંબી પાંપણ, અણિયાળું નાક, માંસલ હોઠ... હું એના હોઠ ચૂમવા ઝૂકી ત્યાં મને હાથતાળી આપતાં એણે મારા સ્તન ચૂમી લીધા. એના હાથ મારી કમરે વીંટળાયેલા હતા. મારા હાથ ભારે થતા જતા હતા. કેડને વળાંકમાંથી કશુંક આળસ મરડીને ઊભું થતું હતું. વારંવાર ઢળી જતાં પોપચાં લથડતાં દૃશ્યોને સાહી લેતાં હતાં. જેવો તેનો ગરમ ગરમ શ્વાસ મારી ગરદન પર ફરી વળ્યો કે નખશિખ હચમચી જતાં એક ધક્કે હું તેના પર ઢળી પડી. એની ગરદન, કર્ણમૂલ, સ્તન.... ચૂમતાં મેં સાંભળ્યું,
‘આઈ લવ યુ મીરાં’
‘તો પછી કે.એમ. ?’
‘એણે જ તો કહ્યું કે તું મારો આધાર છે અને કે.એમ. હાલ અહીં છે પણ ક્યાં?!’
      એટલે કે કે.એમ.ની ગેરહાજરીમાં મીરાં.... ચઢેલું પૂર એકદમ જ ઓસરી ગયું, શું વૃંદા મને કે.એમ.ની અવેજીમાં સ્વીકારતી હશે? પરંતુ જો એમ હોય તો પછી મારો દેહ શા માટે એની લાગણીઓનો પડઘો પાડે છે ?


0 comments


Leave comment