22 - ૨૨ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે પણ રોજની જેમ યુનિવર્સિટીથી આવી કપડાં બદલવા બાથરૂમ તરફ જતી હતી ત્યાં વૃંદા કહે, ‘હજી ય... લે, તું બદલી લે; હું બહાર જાઉં છું.’ મેં બારણું બંધ કરવા માંડ્યું તો કહે, ‘વિશ્વાસ રાખ મારો.’ અને હજી હું ગાઉન ગળામાં નાખું ત્યાં અંદર આવી બારણું બંધ કરી કહે, ‘સોરી, પણ મારે તને અજવાળામાં જોવી હતી.’ એનું આ લાગણીનું પૂર... હું કંઈક અબોલ થઈ જાઉં છું. ક્યાંક કશુંક એકદમ અચાનક ધોધની જેમ આવીને ગુંગળાવે છે; તો કંઈક ગમે પણ છે.

      પાછળથી મને વળગીને કહે, ‘જો હું ચિત્રકાર હોત તો તારા ઢગલાબંધ ન્યૂડ્સ બનાવત. વોટ a ફન્ટાસ્ટીક ફીગર !’

      મને થયું પૂછું, ‘વૃંદા, મને સ્પર્શતાં, તને બે જુદા જુદા પોતનો અનુભવ થાય છે ?’ એને બદલે.... મેં કહ્યું, ‘ચિત્રો બ્લેક એન્ડ વ્હાઈટમાં બનાવવાં પડશે.’

      ‘ચલ હટ, તને સાચ્ચું નહીં લાગે, પરંતુ સ્કૂલમાં એક વખત કે.એમે કહેલું કે આ તારી મીરાં બહુ સુંદર છે. તેં “દીપનિર્માણ” નાટકમાં ભાગ લીધેલો અને તું ઇન્સ્પેકટરની પત્ની બનેલી. સાલી, તારી બ્યૂટી બહુ ઊંચી ચીજ છે. તને શું ખબર ? કે.એમ.ને તારી ઈર્ષા પણ આવતી.
      ‘એટલે જ જેવા એન.સી.સી. કેબિનમાં આવે એવા મને પાણી લેવા મોકલી ડે. એ ય પછી શું થાય એ તો કહે ?’

      વૃંદા થીજી ગઈ. એનો ચહેરો એકદમ અભેદ્ય બની ગયો. થોડીવાર રહીને કહે, ‘હું લગ્નપૂર્વેના સ્પર્શને પણ ધિક્કારું છું. મીરાં, મારા જીવનનું એક માત્ર સ્વપ્ન છે; એક સુંદર બાળકની મા બનવાનું....’

      અને મારું ? ના, હું મારા વર્તમાનને ક્યારેય કોઈનું ભવિષ્ય નહીં થવા દઉં....


0 comments


Leave comment