25 - ૨૫ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      હમણાં હમણાં મને મારો પરિચય થતો જાય છે. મારો સ્વભાવ આટલો અધીરો?

      આજે લાઈબ્રેરી જવાનો મારો મૂડ ન હતો. વૃંદાએ કહ્યું હતું એ ત્રણ વાગ્યે આવશે. પરંતુ મારી વ્યાકુળતાએ બે વાગ્યાથી જ એની રાહ જોવા માંડી. એક ક્ષણ તો થયું લાવને હું જ સામે જાઉં. માંડ જાતને બાંધી રાખી. ત્યાં બરાબર પોણા ત્રણે બારણું ખખડ્યું. મને થયું વૃંદા આવી. પરંતુ બારણાંમાં ઊભી હતી એકત્રીસ નંબરવાળી જાડી વર્ષા. એવી તો ખીજ ચડી કે.. હવે આ ગુંદર જલદી નહીં જાય. કેમેસ્ટ્રીમાં રિસર્ચ કરે છે. આખી હોસ્ટેલ એને જાડી કહે. શરીર આખું ભયંકર સ્થૂળ, માથું સાવ નાનું અને ચહેરો એકદમ માસૂમ. ગાય છે બહુ સરસ. એને વૃંદા પાસેથી સીડી માટે રબારી ભરતની ડિઝાઈન જોઈતી હતી. એને ટાળવા મેં કહ્યું કે, ‘વૃંદા પાંચ વાગ્યે આવશે.’ પરંતુ એ અંદર આવીને આડાંઅવળાં ગપ્પાં મારી છેવટે પોણા ચારે ગઈ. અને મને સતત થાય કે હમણાં વૃંદા આવશે તો મારું ગપ્પું ખૂલી જશે !

      વર્ષા પર તો બહુ જોર ન ચાલ્યું એટલે વૃંદા માટે મનોમન સુરંગ ધરબાવા માંડી. રૂમ ને અગાશી, અગાશી ને રૂમ કરી કરીને માંડ પોણાં પાંચ વગાડ્યા ત્યાં બહેનબા ડોલતાં ડોલતાં બરાબર ચાર ને પચાસે ગેટમાં પ્રવેશ્યા અને એવા જ જાડી વર્ષાના હાથે ઝલાયાં. ખલ્લાસ ! રૂમમાં જઈ ઓઢીને સૂઈ ગઈ.

      એ આવી. એણે પુસ્તકો ટેબલ પર મૂક્યાં. મારા માથા પરથી ચાદર ખસેડી તો હું તેની તરફ પીઠ કરીને સૂઈ ગઈ. એણે મારી પીઠ પર બોલપેનથી લખવા માંડ્યું. એક બાજુ ગલીપચી થતી હતી અને બીજી બાજુ મન વાંચતું હતું.... મીરાં ગાંડી... મીરાં....

‘હા, હા, ગાંડી જા ન આવતી મારી પાસે.’
‘અચ્છા તો તમે રિસાયાં છો ? હું આવતી હતી ત્યાં તારા ફ્રેન્ડ સલિલ-રુચિ મલી ગયાં તો ચાની કિટલી પર બેસી ગઈ, વાતો કરવા. આમે ય અહીં કામ તો હતું નહીં.’
      ‘હું અહીં રાહ જોતી હતી તેનું કાંઈ નહીં?’ કહેતાં મેં જોયું તો એ કપડાં બદલતી હતી. ઊઠીને હું એને વળગી પડી. ‘તું છોકરી મને પાગલ કરી નાંખીશ....’ ઓહ, ફરી એક વાર અમે બંને એક ધક્કા સાથે ફેંકાઈ ગયાં, ઊછળતા પ્રવાહ પર... હાલકડોલક ... અવશ અમારાં શરીર એકબીજાને ફંફોસતાં, ભીસતાં-ભીસતાં કેટલાંય મોજાંનાં ચઢાણ ચઢતાં-ઊતરતાં ઓગળ્યે જતાં હતાં.... અને તરસ તો હતી આંધળીભીંત.....


0 comments


Leave comment