26 - ૨૬ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે પહેલી વર અનુભવ્યું કે દુનિયામાં આટલા બધા રંગ છે ! હોસ્ટેલ આખી રંગબેરંગી ફૂલો અને પતંગિયાનો મેળો !

      આખું ભારત જયારે ગણતંત્ર-દિવસ ઊજવે ત્યારે અમે ‘હોસ્ટેલ-ડે’ ઊજવીએ. આખા યુનિવર્સિટી કેમ્પસની બધી જ હોસ્ટેલના વિદ્યાર્થીઓ કલ્ચરલ ફંક્શન અને સમૂહ ભોજનનું આયોજન કરે. સ્થળ, અમારી હોસ્ટેલ.

      આજે લેડીઝ હોસ્ટેલનો ‘પૂર્ણ સ્વાતંત્ર્ય’નો દિવસ. આજે મિત્રો, વાલીઓ દરેકને માટે દરવાજા ખુલ્લા.

      મારા મહેમાનોમાં વૃંદા, એનાંભાઈ-ભાભી, સલિલ, રુચિ, તરુણ અને ડૉ. અજિત-રુચિના મામા. પરિચય કરાવતાં રુચિએ કહ્યું, ‘ઘરમાં મારા માટે ઓક્સિજન છે મારા મામા, મુંબઈથી મમ્મીની ખબર કાઢવાં આવ્યા હતા એટલે એમને લઇ આવી. અલબત્ત કહેવું જોઈએ, એ મને અહીં લઈ આવ્યા.’

      વાતવાતમાં ખબર પડી કે વૃંદાનાં મોટાંબહેન અને ડૉ.અજિત બોરીવલીમાં એક જ એપાર્ટમેન્ટસમાં ઉપર નીચે રહે છે. આવતી કાલે ડૉ. અજિત વૃંદાના ઘેર મહેમાન છે. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં રીડર છે પરંતુ એકદમ સરળ, હળવું ફૂલ વ્યક્તિત્વ ! ક્યાંય કશો દેખાડો નહીં... મને લાગે છે હવે સલિલ રુચિને ઘરનો મોરચો જીતવામાં વાંધો નહીં આવે.

      જમતાં જમતાં તરુણ સાથે તેના રિસર્ચવર્ક વિશે વિગતે વાત થઈ. તરુણ કોલેજ સ્ટુડન્ટસમાં એક્સ્યૂઅલ વેરીએશન્સ પર કામ કરે છે. જેને પહેલાં મનોવિજ્ઞાનીઓ વિકૃતિ(પરવરઝન) કહેતાં હતાં અને આજે વેરીએશન કહે છે. વિકૃતિ શબ્દ જ મનોચિકિત્સક અને દર્દીના સંબંધમાં ટેન્શન ઊભું કરે. વળી સેક્સ જેવા સેન્સિટીવ વિષય પરત્વે કશું કન્ડિશનિંગ ન હોવું જોઈએ.

      તરુણે એક બહુ સાદી પણ મહત્વની વાત કરી. એણે કહ્યું કે, ‘આપણી લાગણીની ભાષામાં મોટેભાગે શારીરિક અર્થ અને અનુભવના રૂઢિ-પ્રયોગો રહેલા છે. જીવનના વિધેયાત્મક અનુભવમાં આપણે ‘હલી ઊઠીએ’, કોઈનો સદભાવભર્યો વ્યવહાર આપણને ‘સ્પર્શી’ જાય છે. નકારાત્મક અનુભવમાં આપણે ‘ભાંગી પડીએ’ છીએ. કોઈની વાત આપણને ઊંડે સુધી ‘ખૂંચે’ છે. ભાષાનું એક આ પણ રૂપ છે ?

      હોસ્ટેલમાં સૌથી વધુ બોયફ્રેન્ડ માટેનો મેડલ હોય તો ઉજ્જવલા લઈ જાય ! ઘણી વાર થાય, આ ઉજ્જવલામાં એવું તો શું દેખાતું હશે લોકોને ! (શું આ મારી ઈર્ષા બોલે છે? જાણું છું ફીગર અને નમણાશમાં તો હું ક્યાંય આગળ છું પણ...) દેખાવમાં ઠીક-ઠીક, ઊંચો-પહોંચતો રફટફ બાંધો, કંઈક કાળો રંગ.... કદાચ તેના બિનધાસ્ત સ્વભાવને કારણે લોકો તેના તરફ ખેંચાતા હશે. શું ક્યારેય એને નિષ્ઠાના પ્રશ્નો નહીં નડતા હોય ! પરંતુ હું શા માટે એ બધા સંબંધોને એક જ લેબલ મારું છું, અને ક્યા અધિકારે ? ધારો કે ઉજ્જવલાની જગ્યાએ હું હોત તો ?

       લાગે છે જાતની ઊલટતપાસમાં કોઈ પણ વિચારશીલ વ્યક્તિ સાબૂત ન રહી શકે. માટે જે દોસ્તોયવસ્કી કહે છે – બૌદ્ધિક મનુષ્ય એક જંતુ પણ બની શકતો નથી.


0 comments


Leave comment