27 - ૨૭ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


બપોર :
      સવારથી જ એક પ્રશ્ન મનમાં સતત ઘોળાય છે. આજે વૃંદા ય નથી. બે કલાકથી લાઈબ્રેરીની કેબિનમાં બેઠી છું. સામે કેવલ સૂદની ‘મૂર્ગીખાના’ નવલકથા ખુલ્લી પડી છે. પરંતુ મન છે કે વમળમાં ફસાયેલી હોડીની જેમ પાંચ નંબરવાળી હિનાના શબ્દોમાં ઘૂમરાય છે.

      ‘વિગતે જાણીશ તો પાછા લઈ લઈશ. મેં મારી રૂમમેટ આભા સાથે લગ્ન કર્યા છે....’

      સવારે મેસમાં હિનાને ઘણા દિવસે જોઈ. સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાં છે. હાથમાં રંગબેરંગી બંગડીઓ, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર. મેં એને અભિનંદન આપ્યા તો કહે, ‘વિગતે જાણીશ તો પાછા લઇ લઈશ. મેં મારી રૂમમેટ આભા સાથે લગ્ન કર્યા છે...’ મારા ચહેરા પર સૂનકાર જોઈને એ બોલી, ‘હેય, યુ ડોન્ટ નો અબાઉટ લેસ્બીયન’ એ મને બાઘી સમજીને હસતી હતી અને હું ?

      તો શું હું અને વૃંદા.... હિંદીની આધુનિક નવલકથાઓમાં, મેગેઝિન્સમાં વાંચ્યું છે ઈસ્મત ચુગતાઈની ‘લિહાફ’ વાર્તા એક જમાનામાં બાન થઇ હતી, ખબર છે... સ્ત્રીઓની જેલોમાં, હોસ્ટેલોમાં અપરિણીતા અથવા પુરુષ સહવાસથી વંચિત સ્ત્રીઓમાં આ પ્રકારનાં સ-જાતીય સંબંધો વિકસે છે... એટલે કે હું અને વૃંદા લેસ્બીયન છીએ ? પરંતુ જે લાગણી મને વૃંદાના હોવા માત્રથી થાય છે એ ઉત્તેજના ઉજ્જવલાના અર્ધનગ્ન શરીરને સ્પર્શીને પણ નથી થતી. વર્ષો સુધી મમ્મીને વળગીને સૂતી છું, ક્યારેય આવું થયું નથી.

      તો શું કોઢને કારણે મારું ભૂખ્યું મન વૃંદા તરફ વળ્યું હશે ? પરંતુ મને તો ક્યારેય નથી લાગ્યું કે હું બીજા કરતાં ઊણી છું... ક્યારેક તો પેલી ‘સ્ત્રી’ જાગતી હશે.....

      સંભવ છે આ અમારા સંબંધની પ્રગાઢતાનું એક ડાયમેન્શન હોય.... કે પછી ડાયવર્ઝન? પરંતુ ઘણીવાર એવું કેમ બને છે કે તીવ્ર ભાવાવેશની અભિવ્યક્તિ માટે શબ્દને સ્પર્શનો સાથ જોઈએ છે ??


0 comments


Leave comment