30 - ૩૦ જાન્યુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે સવારે મારા પર જે વીત્યું છે... હજી ય છાતીમાં થડકારો અને પગમાં ધ્રુજારી છે. જિંદગીમાં કદાચ પહેલી વાર આવું દોડી છું હું....

      વૃંદાની ટ્રેન સાત ચાલીસની હતી. વહેલી સવારે તૈયાર થઇ સવા છએ યુનિવર્સિટી બસ સ્ટેન્ડ જવા નીકળી ગઈ. અહીં એ સમયે એક પણ વાહન ન મળે. ઠંડીએ એક મહિનો રીવર્સમાં ગાડી લીધી હતી. સ્વેટર ઉપર શાલને લપેટવા છતાં કાળજું અંદર ધસતું જતું હતું. એક ક્ષણ ઊભાં રહી ખાતરી કરી લીધી કે નાક ચાલે છે કે નહીં ? કુલપતિ-નિવાસના બગીચામાં ખીલેલા ગુલાબે સાક્ષી પૂરી. વચ્ચે-વચ્ચે સ્ફુટ-અસ્ફુટ મંત્રોચ્ચારની જેમ દાંત કકડતા હતા. સૂના અને અંધારાં રસ્તા પર મારાં જ પગલાં મારો પીછો કરતાં હતાં. આશ્ચર્ય થાય છે કે મને ડર કેમ ન લાગ્યો ? અને જો કૂતરાં પાછળ પડ્યાં હોત તો ! પરંતુ ત્યારે તો હું સમયની પાછળ પડી હતી.

      બસ સ્ટેન્ડે પહોંચી તો એકદમ અન્નાટો ! ક્ષણેક હેબતાઈ ગઈ ! પહેલી વાર આવું ખાલીખમ સ્ટેન્ડ જોયું હતું. સ્ટેન્ડ પાછળ કનુભાઈની કિટલી પાસે એક બેંચ પર કોકડું વળીને સૂતેલા દેવીને જોઈને કંઈક કળ વળી. દિવસ આખું ધમધમતું બસસ્ટેન્ડ દેવીની મજાક ઉડાડતું ! પરંતુ એ સમયે દેવીની ચીંથરેહાલ ગોદડી અને બસસ્ટેન્ડ સરખાં રાંક લાગતાં હતાં. લારી પાસે નીચે ઓલવાયેલા તાપણામાં અર્ધા બળેલા ટાયર ને કાગળ પડ્યાં હતાં. પવને ય બેઠા ઠારને કારણે ક્યાંક ટૂંટિયું વાળીને પડ્યો હતો.

      પોણા સાત સુધી રાહ જોઈ. ન બસ કે ન રિક્ષા. છેવટે નવરંગપુરા બાજુ લગભગ દોડવા માંડ્યું. રસ્તામાં એકલદોકલ દૂધવાળા ને છાંપાવાળા દેખાતા હતાં. કોમર્સ કોલેજ પર રિક્ષા મળી. પાછું આગળ રેલવે ફાટક બંધ. થયું હવે હું વૃંદાને ક્યારેય નહીં મળી શકું.

      સ્ટેશને પહોંચી ત્યારે સાત ને ઉપર પાંત્રીસ થઈ ગઈ હતી અને મારે જવાનું હતું પ્લેટફોર્મ નંબર ત્રણ પર. મારાથી આ દાદરા કેમ ચઢાશે ? પગ ઓગળતા હતા અને છાતી ધમણની જેમ હાંફતી હતી. પુલ પરથી દોડતાં જોયું. અફાટ માનવ સાગર... આમાં ક્યાં શોધું મારી લહેરને ? દાદરાના ઉપલા પગથિયે જ બેસી પડી. આંખમાંથી ચોધાર આંસુ... હું અડાબીડ જંગલમાં અટવાઈ ગઈ હતી. ત્યાં ટ્રેનની વ્હીસલ વાગી, હું ઊભી થઇ અને ચાલતી ગાડીના દરેક ડબ્બાને ‘આવજો’ કરવા લાગી... આ ટ્રેનમાં ક્યાંક મારી વૃંદા છે... છે... છે...

      અત્યારે એ આખું દૃશ્ય ઘેલછાભર્યું લાગે છે. પરંતુ એ ક્ષણે તો.....


0 comments


Leave comment