91 - શક્ય છે / લક્ષ્મી ડોબરિયા


ઝાંઝવાં તડકાને લૂંટે, શક્ય છે,
ને, તરસનો મહિમા ઘૂંટે શક્ય છે.

જ્યાં કદર એની થશે ત્યાં પ્હોંચવા,
વાતને પણ પાંખ ફૂટે શક્ય છે.

ઊગવાની હો સખત સંભાવના,
ધારણા એ ક્ષણને ચૂંટે શક્ય છે.

બે ય હાથે વ્હેંચ નહિ તું લાગણી,
હો, જરૂરત ત્યારે ખૂટે, શક્ય છે.

થઈ શકે એકાંત જો મંદિર સમું,
તું ય પણ તારાથી છૂટે શક્ય છે. 






0 comments


Leave comment