95 - અનરાધાર છે / લક્ષ્મી ડોબરિયા


ક્યાંક તાંડવ ક્યાંક ધીમી ધાર છે,
એ અષાઢી તોર ને તહેવાર છે.

કાલના સંદર્ભમાં હું મૌન છું,
કેમ કે એ ધારણાની બ્હાર છે.

આમ તો એકાંત બીજું છે જ શું ?
ખુદની સાથે જોડનારો તાર છે.

મનનાં ચાતકની તરસના કારણે,
ટેરવાં પર શબ્દ અનરાધાર છે.

ત્રાજવે તોળાય છે સંબંધ સૌ,
એ ઋણાનુબંધના વહેવાર છે.

આ સમયની નાડ પકડો તો પછી,
જીતમાં બદલી જતી સૌ હાર છે.

કેળવ્યો છે મેં ઘરોબો દર્દથી,
શું કરું? આ મનનો એ આધાર છે.0 comments


Leave comment