96 - ઘડતર થશે / લક્ષ્મી ડોબરિયા


સંવાદ ખુદથી કર પછી ઘડતર થશે,
ઘટના હશે ઝીણી છતાં ચણતર થશે.

તું કલ્પનાને બે–ઘડી અવતાર તો,
કોરી હકીકત પર સરસ, જડતર થશે.

સંદર્ભ પીડાનો હશે, જો વાતમાં,
ચર્ચા થશે ને એ ય પણ નવતર થશે.

જો ભાગ્યવશ ખોટી ઠરે કારણ વગર,
તો ધારણાના કાળજે કળતર થશે.

શોધો ભલેને દર્દના કારણ નવા,
એના ઉપાયો એટલા પડતર થશે.0 comments


Leave comment