97 - પ્રશ્નો પાર ઉતારે છે / લક્ષ્મી ડોબરિયા
અંતર થોડું એ રાખે છે,
એથી અંગત બહુ લાગે છે.
ઉત્તર તો સામે કાંઠે છે,
આ પ્રશ્નો પાર ઉતારે છે.
જોઈ શકું છું હું ય હકીકત,
સપનાઓ એમ જગાડે છે.
આ હાથ જરા મેં આપ્યો’તો,
બસ એ ક્ષણ મારા નામે છે.
દુષ્કાળ પડ્યો છે ટહુકાનો,
વૃક્ષો ફોટામાં ફાલે છે.
કોઈનું હોવું એવું છે,
હળવેથી જીવ મઠારે છે.
પ્યાસ ટકી છે એક જ આશે,
ખાલી વાદળ ક્યાં ગાજે છે.
0 comments
Leave comment