98 - ઉઠાવ આપી દે / લક્ષ્મી ડોબરિયા


તું જો તારો અભાવ આપી દે,
સાંજ સિંદૂરી ભાવ આપી દે.

આયનાનું ગજુ છે એવું કે,
પ્રશ્ન રૂપે સુઝાવ આપી દે.

ક્યાંક અટકીને જિંદગીને તું,
ખૂબસૂરત ઉઠાવ આપી દે.

આ સમયની ઉદારતા યે જો,
ઢાળ સાથે ચઢાવ આપી દે.

હું તને શોધું ને મળું ખુદને,
એક એવો બનાવ આપી દે.

ભીતરે વિસ્તરું નિઃશેષ થઈ,
એમ તારો લગાવ આપી દે.

એ જ અંતે થઇ જશે પૂજા,
જ્યાં છે ત્યાંથી તું દાવ આપી દે.0 comments


Leave comment