2 - અચળ વચન કોઈ દિ’ ચળે નહિ / ગંગાસતી


અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય
સદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં, તેને અહંભાવ આવે નહિ મનમાં.
અચળ વચન કોઈ દિ...

શરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા, પણ બીજો બોધ નો ઠેરાય…
અચળ વચન કોઈ દિ...

મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ ! વચન પાળવું સાંગો પાંગ
ત્રિવિધીના તાપમાં જગત બળે છે, તેનો નહિ લાગે તમને ડાઘ…
અચળ વચન કોઈ દિ...

ભાઈ રે ! જીવન્મુક્તિની દશા પ્રગટશે, હાણ ને લાભ મટી જાય
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, પૂરણ નિજારી ઈ કહેવાય…
અચળ વચન કોઈ દિ...

દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો, જેથી રીઝે નકળંક રાય
ગંગાસતી એમ બોલિયાં, તેને નહિ માયા કેરી છાંય…
અચળ વચન કોઈ દિ...


0 comments


Leave comment