24 - પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે / ગંગાસતી


પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે,
ત્યારે સાધના સર્વ શમી જાય રે,
કરવું એને કાંઈ નવ પડે ને
સહજ સમાધિ એને થાય રે ... પાકો પ્રેમ

કર્તાપણું સર્વે મટી જાય ત્યારે,
જગત જૂઠું જાણ્યું ગણાય રે,
અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ
ત્યારે ખરી દૃઢતા બંધાય રે ... પાકો પ્રેમ

કોઈ પ્રપંચ એને નડે નહીં,
જેના મટી ગયા પૂર્ણ વિકાર રે,
અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી,
અટકે નહીં જગત વ્યવહાર રે ... પાકો પ્રેમ

શુદ્ધ વચનમાં સુરતા બંધાણી ને
મટી ગયા વાદવિવાદ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
એને આવે સુખ સ્વાદ રે ... પાકો પ્રેમ


0 comments


Leave comment