39 - ૧૩ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે યુનિવર્સિટી સેનેટ હોલમાં ગુજરાત માઉન્ટેનિયરિંગ ક્લબના સ્લાઈડ-શોમાં રુચિ મળી. છવીસમી જાન્યુઆરી પછી અમે આજે મળ્યાં. રુચિએ કહ્યું કે એણે મને ત્રીશમી જાન્યુઆરીએ સ્ટેશન પર જોઈ હતી. પરંતુ ગિરદીમાં દૂરથી વાત ન થઈ શકી. એ એના મામાને મૂકવા આવી હતી. વૃંદા અને ડૉ.અજિત એક જ ડબ્બામાં હતા. પરંતુ ન તો વૃંદાએ મને અજિતના સંગાથની વાત કરી અને ન પત્રમાં ઉલ્લેખ કર્યો ! કદાચ એને એમ હશે કે મને આ વાત ગમશે નહીં, પરંતુ એવી શંકા શા માટે ? અને મારે ય શા માટે એવો આગ્રહ રાખવો જોઈએ કે વૃંદા મને બધી જ વાત કરે ?

      સાંભળ્યું છે કે અપેક્ષાઓ પણ પ્રિયપાત્રને પકડી રાખવાનું માધ્યમ છે. આગળ જતાં ‘પાત્ર’ રહે, ‘પ્રેમ’ નહીં.

      આજે પ્રેમનું એક નવું જ સ્વરૂપ જોવા મળ્યું. ગયા એપ્રિલ-મેમાં હિમાલયના કાલિન્દી શિખરના આરોહણનું આયોજન શ્રીમતી મંગલા દેશમુખની કેપ્ટનશિપ હેઠળ કરવામાં આવેલું. પાંચ વર્ષ પહેલાં કાલિંદી આરોહણ દરમ્યાન ડૉ.દેશમુખનું અવસાન થયું હતું.

      ડૉ.દેશમુખ, પી.આર.એલમાં સાયન્ટીસ્ટ હતા. એ ટુકડીમાં કુલ છ જણ હતા. પાંચ મિત્રો અને એક શેરપા. બેઝ કેમ્પ નાંખ્યા બાદ હવામાન જોતાં કેટલીક વસ્તુઓની જરૂર પડતાં શેરપા અને બીજા ત્રણ નીચે ગયા. ટેન્ટમાં રહ્યા ડૉ.દેશમુખ અને પદ્મજા એ મેડિકલની સ્ટુડન્ટ હતી. મિત્રોના નીચે ગયા બાદ પાછળથી અચાનક બરફનું તોફાન આવ્યું. પંદર દિવસના રઝળપાટ પછી બંનેનાં મૃતદેહ મળી શક્ય. ડૉ.દેશમુખ તો સ્લીપિંગ બેગમાં જ ખલાસ થઈ ગયેલા- અને પદ્મજા ટેન્ટના બારણે ભાગવાની મુદ્રામાં બેઠેલી ! ઘર, વતન અને સ્વજનોથી દૂર એકલાં કઈ રીતે મોતનો સામનો અને સ્વીકાર કર્યો હશે એમણે ?

      પરંતુ આફરીન થઇ જવાય છે શ્રીમતી દેશમુખ અને મિત્રોના મિજાજ પર ! તેમણે સ્વર્ગીયના અધૂરા કાર્યને પૂરું કરી એક પર્વતારોહકને શોભે તેવી શ્રદ્ધાંજલિ આપી. આ છે હિમાલયના સહવાસે આપેલી ખુમારી ! નહીંતર એક દુબળી-પાતળી અત્યંત સામાન્ય લાગતી ગૃહિણીને પતિનો વિયોગ સહેવાની અને એના અધૂરા કાર્ય પૂરાં કરવાની શક્તિ ક્યાંથી મળે ?

      અત્યાર સુધી મારી પાસે એક હિમાલય હતો, શબ્દસ્થ. પરંતુ આ સ્લાઈડ શોમાં પહેલી જ વાર સૌંદર્યની રુદ્રતા જોઈ. ‘શિવનું રાશિભૂત અટ્ટહાસ્ય’-પ્રતીતિ થઈ કે શિવ સિવાય હિમાલયને બીજું કોઈ ન જીરવી શકે અને ન હિમાલય સિવાય શિવને. દૂરથી બોલાવતાં સૂર્ય-ચંદ્રની સંતાકૂકડીમાં વિવિધ મોહક રૂપ ધરતાં શિખરોનાં કપરાં ચઢાણ; પળે પળે તમારા સાહસની પરીક્ષા લેતી સ્ફટિક સ્વચ્છ ઝરણાંની આંધળી ગતિ, તમારી મુઠ્ઠીમાં રહેલી જિંદગી સામે ખડખડાટ હસતી કારમી કરાડો, તમારા સ્પર્શને ચપટીમાં ચાવી જતાં બરફનાં તોફાન... આ જોયા પછી તમારું હિમાલય વિષેનું બધું રોમેન્ટિસિઝમ ઓગળી જાય ! એક ક્ષણ તો થયું, બહાર જતી રહું. છાતી પર કોઈ એક પછી એક પથ્થર મૂક્યે જતું હતું. પરંતુ આંખો અકરાંતિયાની જેમ એકેય દૃશ્ય છોડતી ન હતી.

      એ જ તો ખૂબી છે હિમાલયની. તમે એનાથી આતંકિત બનો, પણ એને છોડી ન શકો !

      એક સપનું આંજીને આવી છું. જીવનમાં એકવાર તો હિમાલયનો ચરણસ્પર્શ કરવો જ. હું અને વૃંદા નીકળી પડીશું ખભે થેલો ભરાવીને.


0 comments


Leave comment