9 - કાળધર્મ ને સ્વભાવને જીતવો / ગંગાસતી


કાળધર્મ ને સ્વભાવને જીતવો,
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સર્વેમાં વર્તવું,
ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ.

નિર્મળ થઈને કામને જીતવો,
ને રાખવો અંતરમાં વૈરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણી,
ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ.

આલોક પરલોકની આશા તજવી,
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,
ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ.

ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું,
ને વર્તવું વચનની માંય રે,
ગંગા સતી એમ બોલિયાં રે,
એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.


0 comments


Leave comment