૨૮ સ્વારથનો સગો સંસાર / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      સંસારવ્યવહારમાં સર્વત્ર દેખાઈ આવતી સ્વાર્થવશતા અને તેને પરિણામે માનવજીવનમાં ઊભી થતી વિસંવાદિતા વિશે પોતાનાં ભજનોમાં અવારનવાર ચિંતા વ્યક્ત કરતાં સંત-કવિઓએ ઓછું ચિંતન નથી કર્યું.

      સંસારની મોહમાયામાં ફસાયેલા માનવપ્રાણીએ કદી આંખો ખોલીને જોયું હોતું નથી કે જેને માટે આટઆટલી મુશ્કેલીઓ પોતે સહન કરી રહ્યો છે એ જ કુટુંબીજનો તેના અવસાન પછી તેને ભૂલી જવાના છે. એક સમય એવો આવશે કે
‘સંગી તારે સંગે નહીં ચાલે, સગું કુટુંબ ધણીયાણી,
માલ ખજાના તે મળ્યા નહીં મૂક્યા, ઈ થાશે ધૂળને ધાણી...
તેરા દિલમાં દેખ દીવાની....’ (દાસી જીવણ)

      અંતવેળાએ આ બધી સમૃદ્ધિ છોડીને એકલાં જ ચાલ્યાં જવાનું છે, સગાં-વહાલાં કોઈ સાથે આવવાનું નથી. સ્વાર્થી જગતની સ્વાર્થ લીલામાં માનવીનું અસ્તિત્વ તો માત્ર પોતાનું કામ કઢાવી લેવા પૂરતું જ છે. જ્યારે શરીરમાં આત્મા નહીં હોય ત્યારે એક ઘડી પણ એ શરીરને ઘરમાં રાખવા કોઈ તૈયાર નહીં થાય.... વગેરે વગેરે શિખામણો ઉપદેશાત્મક ભજનોમાં વણાઈ ગઈ છે.
‘સગું કુટુંબ તારું લૂંટવા લાગશે,
લઇ લેશે કાનની કડી,
કાઢો કાઢો એને સહુ કે’શે હવે
રોકો મા ઘડી ઘડી...
જાવું છે મરી મેરમ જાવું છે મરી....’ (દાસી જીવણ)
+
‘માત પિતાને તારાં કુટુંબ કબીલાં,
બેની બંધવ સૂત ભાઈ,
અરધંગા તારી અળગી રે’શે,
એકલડો જીવ જાઈ....
અરે દિલ દીવાના તું લે લે,
હરિના ગુણ ગાઈ....’ (દાસી જીવણ)
+
‘સગાં કુટુંબી કેનાં ભેળાં નહીં ચાલે રે.
કળિયુગમાં છે કૂડા કે’વાના
અંગનાં વસ્તર તારાં ઉતારી લેશે.
લાખું મળ્યાં તે નથી લેવાનાં....’ (દાસી જીવણ)

      એ જ રીતે મોટા મોટા માંધાતાઓનાં અભિમાન પણ ટકી શક્યાં નહોતાં અને કાળને હવાલે થવું પડ્યું હતું એવા દૃષ્ટાંતો આપીને ભજનોમાં માનવ કલ્યાણની ભાવનાથી દાસી જીવણ પ્રભુ-ભક્તિની મહત્તા સમજાવતાં લખે છે :
‘ જમ જરાયલ ઢોલિયે બાંધ્યા જરામરણ ભય નહીં
દશ મસ્તકને વીસ ભૂજાળો, રાવણ ન શક્યો રહી....’

      અર્થાત્ જેના પલંગ સાથે વૃદ્ધાવસ્થા અને સાક્ષાત્ યમરાજ પોતે પણ બંધાયા હતાં, જેને મૃત્યુ કે વૃદ્ધાવસ્થાનો જરાયે ભય નહોતો એવો મહાબળવાન રાવણ પણ ટકી શક્યો નહીં તો આપણું તો શું ગજું છે ? આ ખોળિયું તો ભાડે લઈને આપણે આવ્યાં છીએ. બે-ત્રણ દિવસના જીવન સારું મારું ને તારું શાને કરે છે ? માંડ કરીને આ મનુષ્યદેહની પ્રાપ્તિ તુંને થઇ છે પણ તું તો ભૂંડપની ભારી બાંધવામાંથી જ નવરો થતો નથી ? હરિના નામનું હાટ માંડીને ભક્તિનો વેપાર કરવા માંડો તો પાર ઊતરશો. ભવસાગરની આ ભૂલવણીમાં નહીંતર ગોટે ચડી જવાનો છે એ કેમ જાણતો નથી ?

      જગત બધું નશ્વરનું બન્યું છે, મેડી મંદિર, માળિયા કશું દીર્ધકાળને માટે ટકી શકવાનું નથી. વળી જે માટીમાંથી તારો દેહ ઘડાયો છે એ જ માટીમાં મળી જવાનો છે તો આટલું અભિમાન શીદને કરે છે? જીવનની ક્ષણભંગુરતા વ્યક્ત કરતાં દાસી જીવણ કહે છે :
‘ચાર જુગના સંત શબ્દ સંભળાવે
તારી ઊઠી કાં ગઈ અકલ ?
અલખ કેફ તારો અંત નહીં પોંચે
કાલે ઊતરી જાશે અમલ.....

      વિચાર, વાણી અને વર્તનમાં લોકસંતોએ એક જાતની ભક્તિનું આચરણ કર્યું હોય એમ લાગે છે. એનો ઉપદેશ માત્ર પરંપરાગત રીતે આપવા ખાતર આપેલો ઉપરછલ્લો વાણીવિલાસ નથી. જે ભક્તિનો મહિમા એમણે ઉપદેશ્યો છે એ ભક્તિને પોતાના જીવનમાં પણ આચરી બતાવી છે. કોઈને બોધ આપતાં પહેલાં પોતે પોતાની જાતને તૈયાર કરી છે. અને પછી જ સમાજને બોધ આપવાનું સ્વીકાર્યું હોય એવું દેખાયાં વિના રહેતું નથી.

      મનુષ્યના ઠાઠ, ગર્વ, પાખંડી આચારો અને દંભ સામે ખુલ્લો પડકાર ફેંકતાં ક્યારેક કટુતા અને તીક્ષ્ણતાથી ઊંચા સાદે પોકા કર્યો છે આ રીતે....
‘ અવસ્થા આવી મારી ગઈ આંટો
ગમારને નાવ્યો જ્ઞાનનો છાંટો
દાસી જીવણ કહે અંત સામે પછી
ડાચડો રે’શે ફાટો... ગમારને....’

      વૃદ્ધાવસ્થાને આરે ઊભેલો હોવા છતાં સંસારી માનવને મોહમાયાની જાળમાંથી છૂટવું ગમતું નથી, સ્વાર્થ, કાવાદાવા, ખટપટો તે કાળાધોળાંમાં જ જેમણે આખું જીવન વિતાવ્યું છે એને અંત સમે અવિનાશી ક્યાંથી મળે ? હાલત તો એવી થઇ છે કે –
‘ દાંત પડ્યાને દાઢું ડગમગીયું,
સાંભળવાનો માઠો,
કાળાં મટીને ધોળાં આવ્યાં તોય,
મટ્યો નહીં તું ખાટો-ગમારને નાવ્યો
જ્ઞાનનો છાંટો.....’

      અને આટઆટલું વીતે છે એના પર તોયે એનો સ્વભાવ તો ક્યાં બદલાયો છે ? એ તો હળદરનો ગાંઠિયો મળતાં ગાંધી થઇ બેઠો છે, થોડુક ધન સાંપડતાં અહંકારી થયો છે ને માયાના અંધાપામાં કશું જોઈ શકતો નથી, જનમ મરણના ફેરામાં ફરી ધકેલાઈ જવા, ઊંડા ભવકૂપમાં ફરી ડૂબી જવાની તૈયારી કરે છે ત્યારે સંત સમજાવે છે :
‘માન વડાયું મોટપ મેલો મનવા,
ખમતા કરી લિયો ખાઈ,
દાસી જીવન સત ભીમનાં ચરણાં,
સમજી લ્યો એક સાંઈ....
મનવા જોર દીવાના ભાઈ....’

      હે મન. તું માન, મોટાઈ છોડી ડે અને ખમતીધર થઈને... પરમાત્માનું સ્મરણ કરીને આ મનખા જનમને સાર્થક કરી ડે.

      આ કયા તો હાડકાં અને ચામડાંની બનેલી છે એમાં તને શેનો મોહ છે. વિષ્ઠાનું ઠામ ભર્યું હોય તેમાં કદી મોહ રખાતો હશે ?0 comments