૬૩ - થોડા પ્રમાદ સાથે, થોડા વિષાદ સાથે / રમણીક સોમેશ્વર


થોડા પ્રમાદ સાથે, થોડા વિષાદ સાથે,
ચાલ્યાં ચરણ અચાનક એ ભીની યાદ સાથે.

ઝરમરતું આભ ઝીલી, બાહર-ભીતર પલળતા,
આ દ્વાર ખટખટાવ્યાં, એક ધીમા સાદ સાથે.

વરસાદમાં ઝબોળી, બે લીલી-સૂકી વાતો,
થોડો સમય વિતાવ્યો, ગમતા વિવાદ સાથે.

રૂંવે રૂંવે પમરતા ધીમા ઉજાસ વચ્ચે,
સંકોરતા સ્મરણને દીવાની વાટ સાથે.

થોડી ક્ષણો ઉપાડી, શ્વાસોમાં સાચવીને,
ધીમે કદમ ઉપાડ્યાં, થોડા ઉચાટ સાથે.



0 comments


Leave comment