49 - સદગુરુના વચનના થાવ અધિકારી / ગંગાસતી


સદગુરુ વચનના થાવ અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે ... સદગુરુના.

અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
નહીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાય સાક્ષાત રે ... સદગુરુના.

સત્સંગ રસ તો અગમ અપાર છે,
એ તો પીવે કોઈ પીવનહાર,
તનમન કેરી જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે ... સદગુરુના.

ધડની ઉપર જેને શીશ મળે મહીં
એવો ખેલ છે આ ખાંડાની ધાર રે,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે ... સદગુરુના.

હું અને મારું એ મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય રે,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે ... સદગુરુના.


0 comments


Leave comment