20 - ધ્યાન ધારણા કાયમ રાખવી / ગંગાસતી


ધ્યાન ધારણા કાયમ રાખવી,
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તૃપત ન થાવું,
ને વિશેષ રાખવો ઉલ્લાસ રે ... ધ્યાન.

ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ નવ રહેવું,
ભલે કબજે કર્યું પોતાનું મન રે ... ધ્યાન.

આઠે પહોર રે'વું આનંદમાં,
જેથી વધુ ને વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ,
ને છોડી દેવું નહિ નેમ રે ... ધ્યાન.

નિત્ય પવન ઊલટાવવો,
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગાસતી એમ બોલિયાં રે,
પછી ચડે નહિ દૂજો રંગ રે ... ધ્યાન.


0 comments


Leave comment