૧૦૨ - બે હથેળીઓ વચ્ચે લંબાતો અવકાશ / રમણીક સોમેશ્વર


હાથ લંબાય છે. હથેળી લંબાય છે.
ફેલાય છે - સંકોચાય છે. આંગળાં
પોતાના અસ્તિત્વને લંબાવતા રહે છે.
બે હાથ લંબાય છે વચ્ચે ઝૂલે છે અવકાશ.

બંને બાજુ ઘૂઘવે છે સાત સાત સાગર.
આંગળીઓ સાગરમાં ભળી ગયેલી નદીઓ –
- ફરી નીકળે છે બહાર પોતાની આદિમ
તૃષા છીપાવવા.

વચ્ચે ઊભાં છે પહાડો-ખીણ-જંગલ-અવકાશ.

દૂર દૂરથી અંતર કાપતી હથેળીઓ આગળ ધપે છે.
લંબાતી રહે છે હથેળીઓ. જાણે છેક જ પાસે
આવી ગઈ. ટેરવાંને રેખા-વાર છેટું અને
અવકાશ લંબાય છે. હાથ પાછળ ખેંચાય છે.
ટેરવાં આગળ ધપે છે.

સાવ નિકટ આવી પહોંચેલી હથેળીઓ વચ્ચે
લંબાતી રહે છે અવકાશની એક પાતળી રેખા.
થીજી ગયેલી નદી જેવી.0 comments


Leave comment