૧૮ - આણું / હરિશ્ચન્દ્ર જોશી


પાથર્યું આજે આણું
ચાકળા, તોરણ, તકિયા ભેળું સાંજ ઘેરાતું ટાણું...

પેટીઓ જરીક ખોલતાં વેંત જ પિયરિયું છલકાયું
કોડ ભરેલું ત્રાંબા બેડું પાણિયારે મલકાયું
રહી રહી પડઘાય ઊંડાણે સહિયરોનું ગાણું...

બાઈજીની અભરાઈ ફાટફાટ, ઓરડો ઝાકમઝોળ
પોરસાતા, પાન ચાવતા ઝૂલે સસરાજી હિંડોળ
ઘૂમટા નીચે સંઘરાયું મા-બાપનું મોંઘુ નાણું...

અળતો, પીઠી, ગુંદીયા કંકુ, મેંદી અને સિંદૂર
ચાર ભીત્યું વચ્ચ ઉમટ્યું રે પાંખ રંગનું ઘેઘૂર પૂર
મનાવડીના મોરલે થાપ્યું રુદિયે કાયમ થાણું...

ટેરવાએ દિન-રાત ભર્યું’તું સપનું ટાંકે ટાંકે
આજ ફળ્યું થઈ કેસરી છોગું સાવ તે ખુલ્લી આંખે
કેટલી રાતો પીગળી ત્યારે આમ ઊગ્યું એક વ્હાણું...


0 comments


Leave comment