7 - ઓળખ / દિલીપ જોશી


નભની ઓળખ કેમ કરીને આપું ?
નભ વંચાતું જાય પલકમાં ટેવ પ્રમાણે જેમ વંચાતું છાપું

દેવ તણો અભિશાપ લઈને શ્વાસ સમયનું નામ ધરી હિજરાતા
વાંસવનોના ભડભડતા સંદેશ પવનની પીઠ પલાણી જાતા
શીતળ ચાંદની વરસે એવો રાગ અચાનક ઘટઘટમાં આલાપું

નભની ઓળખ કેમ કરીને આપું ?.... .... .....

પોઠ ભરીને તડકા-છાંયા રોજ નજરની દુનિયામાં ઠલવાતા
હું પંપાળું એ જ પળોને જે પળ ઊગશે સુખના સૂરજ રાતા
નિમિષમાત્રમાં આભ ધરા પર અવસર આવ્યે આંખ પસારી વ્યાપું

નભની ઓળખ કેમ કરીને આપું ?.... .... .....0 comments


Leave comment