11 - મનની માંડી ગોઠ / દિલીપ જોશી


રણ વચ્ચાળે રણઝણ રણઝણ
સમજણ ચીલો ચાતરી ચાલે
‘ને ઉપડે કરમપીડની પોઠ !
ક્યાંક ખજૂરી ક્યાંક છાયડો
ક્યાંક તરસની કાવડ ઊંચકે
કચ્ચર કચ્ચર હોઠ !

પગલે પગલે અજવાળું અજવાળું મહેકે
મોહમોકળી ગેબગલીમાં ફેરા ફરતાં સાત
રંગકસુંબલ ઘટના ઘેરી ઘોર દુંદુભિનાદે
રગરગ રેલે એવી પુણ્યસ્મરણની પાંગરતી ઠકરાત !
અવસરનો એંધાણી સૂરજ શુકનચાંદલા ચોડી ઢાળે
ભવચોર્યાસી જેવો ભવભવ તડકાળો બાજોઠ !

આગળ દરિયો પાછળ દરિયો આંખ બહાવરી ડૂબી
દીધી આથમતા એક તણખલાને ગયા જનમની ગાળ
પાણીપટ્ટ ફિણાતાં તૂટ્યા એનઘેનનાં મોભ જેવડા મોભ
થરકતી અડવા હાથે ઝાંખા રે દીવાની ઝાંખી જાળ
ઘરચોળાની ગડી ઊકલતાં સંગ એટલા સોહમ્ દિવસો
આમ દઝાડે તેમ દઝાડે મનની માંડી ગોઠ !0 comments


Leave comment