14 - લખચોર્યાસી ખેપ્યું / દિલીપ જોશી


બે સ્મિત ઉનાળે આછરતા
બે હોઠ અષાઢી મલકંતા
પળભરમાં ચક્ષુદ્યાન થતાં
આ હાથ વચાળે રહી ગઈ એના
સ્પર્શસુખની ખુશ્બૂ ભૈયા !

માટી, તોરણ, પાંપણ ડેલી
ફળિયું લૂછે સ્મિત સહેલી
ઘટઘટમાં તરબોળ થતાં
ઉચ્છવાસ ઊના બે ઝીલી છલકે
સ્મરણપાત્રની ટોચું ભૈયા !

આંસુ છે કે પાણી બોલો ?
અણસારેથી ગઠરી ખોલો
પરપોટાના જામા પહેરી
ભટકે પાંચ પ્રહર અણજાણી
પડછાયાને ટેકે-ટેકે
લખચોર્યાસી ખેપ્યું ભૈયા !

સૂર થઇ ફૂંકાતી આંધી
કોણ નદીને રાખે બાંધી ?
શરણાયું થંભી રે દ્વારે
પરવત જેવી છાતી કણકણ થઇ વેરાતી
પાદર-પાદર ગામ વીંધતું ચાલ્યું જ્યારે
જાન લઈને ગાડું ભૈયા !

સૂના પહોરે સૂરજ કાળો
ચિત્ત, ઉગમણે બાંધો માળો
અંજળપાણી તળિયે પૂગ્યાં
ચલો ઉઠાવો ક્રોસ ખભા પર
પોતપોતાનું અંબર ઊંચકી
સ્વપ્નો ઠાલાં ઠોલી ખાશે
ગીધડાંઓનું ટોળું ભૈયા ....!0 comments


Leave comment