16 - પ્રબોધ / દિલીપ જોશી


જળ ક્યાં છે ઝળઝળિયાં છે ભાઈ લાજો રે.....

પગલાં વચ્ચે પલાશ જેવું સરકે ક્યાં ?
આંખ અમીની છોળ ભરીને છલકે ક્યાં ?
અજવાળે અજવાળે ઉભડક નહાજો રે...

મરઘી, બચ્ચું, ઈંડા ફોગટ ચર્ચા છે
જીવતર એટલે નહીં સેવેલાં સપનાં છે
પડછાયો સુક્કાય જશે એક તાજો રે...

ટહુકાએ ટહુકાએ નભ હિલ્લોળાતું
પથ્થરના એક ઘાએ જળ ઝોલાં ખાતું
પોતીકું પ્રતિબિંબ બની ઓળખાજો રે....

હાથવગી ઓળખ ઓઢી મન મૂંઝાયું
અંજળનું એંધાણ દઈ કોઈ સચવાયું
અવિચળ આખર ધ્રુવ સમું પરખાજો રે.....

સમજણ ફોગટ ફેરો તેરો મેરો રે
સીવડાવે સહુ ચહેરા જેવો ચહેરો રે
દિશાદગ્ધ થઇ પવન પ્રમાણે વાજો રે....

આવ્યા ફૂલાવરવાઝ ઉપર કંઈ ભમરાઓ
ગુલશનમાં ગુમસૂમ થઇ બેઠા લઘરાઓ
અસલી મોસમના એક સ્પર્શે દાઝો રે.....

રમલબમલ કે વિક્રીડિત વ્યાયામ બધાં
ગળશે એકાએક અવાચક નામ બધાં
સાચુંકલો માણસ તો તાજે-તાજો રે.....

અતળ શાંત છે ઘૂઘવે છે તે છે જ્ઞાતા
મરમી તો જાણે છે ક્યા રવ પડઘાતા
ચોમાસું વાદળ થઈને કાં ગાજો રે ?.....

જીવ લીલ્લેરો થાય – એટલા ટહુકા હો
પછી ડાયરે અમલ કસુંબલ તુક્કા હો
ભવનું ભમતું ભાન બધાને થાજો રે.....0 comments


Leave comment