19 - પ્રભવ / દિલીપ જોશી


પંખીનાં પગલાંમાં આખ્ખું આકાશ હશે
પડછાયો થઈને જ્યાં ઊગેલું ઘાસ હશે
ત્યાં એણે મીંચેલી શુકનાળી આંખ હશે.....

મહેંદી-મૂક્યા નભની ચહેરા પર ઝાંય હશે
ટમટમતા પાદર પર કેડી કરમાઈ હશે
ઘૂંટાતું મૌન હશે ઘેરાતા શ્વાસ હશે.
ત્યાં એણે મીંચેલી શુકનાળી આંખ હશે.....

જીવથી જીવ સોંસરવી ભોંકાતી શૂળ હશે
આથમણી-કોર એની વીખરાતી ધૂળ હશે,
આંગળીએ વળગેલો મીઠો સહવાસ હશે
ત્યાં એણે મીંચેલી શુકનાળી આંખ હશે......

કોઈ કોઈ ટહુકાથી ઘેરી ઘટમાળ હશે
એકલી અટૂલી નજર સરવરની પાળ હશે
પાનપાન રાનરાન જ્યારે મધુમાસ હશે
ત્યાં એણે મીંચેલી શુકનાળી આંખ હશે.....

સીંચે છે જળ જે એ જાણીતો નૃપ હશે
આંખો તો આંસુના ઊંડેરા કૂપ હશે
ખૂણે-ખૂણામાં કોઈ વણછીપી પ્યાસ હશે
ત્યાં એણે મીંચેલી શુકનાળી આંખ હશે.....

પગરવથી પગરવમાં પોઢેલી ખીણ હશે
ઉંમરની જેમ હવે ઓછાયો ક્ષીણ હશે
ચાંદો ઊગ્યાનો એક માંદો અજવાસ હશે
ત્યાં એણે મીંચેલી શુકનાળી આંખ હશે........

પગલાં વગરનો એક મોઘમ પ્રવાસ હશે
તારકથી દૂરદૂર નભમાં નિવાસ હશે
નાભિથી નભ લગી લગભગ ઉલ્લાસ હશે
ત્યાં એણે મીંચેલી શુકનાળી આંખ હશે......0 comments


Leave comment