27 - ગીત – ૮ / દિલીપ જોશી


કોઈ અજવાળે ઊભીને ચાલ્યું ગયું
સર્વ સરવાળા મૂકીને ચાલ્યું ગયું....

વાત અનહદ લગીની જણાતી હતી
એક રેશમની ચાદર વણાતી હતી
આભ કાજળથી લીંપીને ચાલ્યું ગયું....

શબ્દ કેવળ અજાયબ રગોમાં રમે
અર્થ અવઢવ નીતરતા દૃગોમાં રમે
દર્દ દીવાલે ઘૂંટીને ચાલ્યું ગયું.....

જેમ ફૂલોમાં હોય એની વહેતી સુગંધ
એમ દેખી શકાય નહિ આપણો સંબંધ
સ્મિત ફોટામાં ભૂલીને ચાલ્યું ગયું......

(સ્મરણ : કવિશ્રી રમેશ પારેખ)0 comments


Leave comment