30 - ઝંખન / દિલીપ જોશી
ભીની સુગંધ સહેજ પાલવ પકડે
‘ને મારા પગલે પહાડ ઊગી જાય.......
કલરવનો છેલ્લો ઉજાસ ભરી આંખોમાં
ટપકું થઇ નભ ઊડી જાય.....
ઓતરાદી ટેકરીથી ઝરણાનો કંઠ ઝીલું
ઝીલું રે આરતીની છોળો
ખોબો ભરીને મેં તો પીધી તળાવડી
‘ને અમથો એક આછરતો ઓળો
પંચરંગી સ્વપ્નોના સેંકડો પતંગિયાંથી
આખ્ખો અષાઢ ડૂબી જાય......
પાંખોના સુસવાટા ઘૂઘવતા દરિયાની –
જેમ રગેરગમાં વીંઝાતા
ઊડવાનું નામ લઈ દોમદોમ વિસ્તરતા
પગલાંઓ પથ્થર થઇ જાતાં
પોતીકું હોય એવું ક્યાં છે આકાશ ?
એવી ઝંખનાનું ફૂલ ખીલી જાય.......
0 comments
Leave comment