37 - ગોટો ગોટો ગલગોટો / દિલીપ જોશી


ગોટો ગોટો ગલગોટો
અધમણ અધમણ ઉમંગ ઊગ્યા
લઈ સાજણનો ફોટો !......

હાથ ચોળતા લાપસી મન ઘી કેળા ખાય
પીઠી ચોળ્યા અંગમાં મંડપ ઊગી જાય
ડાબે આખું ગામ છે જમણે છે મોસાળ
વિદાયની વરસે ઘડી ભીંજાતી પરસાળ
મબલખ મબલખ પતંગિયાઓ
શ્વાસોમાં આળોટો ........

ઝાકળની ચપટી ભરી વેરું હાડેહાડ
અંધારું હડસેલવા દોડ્યા પ્હાડે – પ્હાડ
ટાઢા પ્હોરે રાતને માદક ચડતું ઘેન
જ્યારે કોરા કાગળે શબ્દો માંડે પેન
અઢળક અઢળક ઈચ્છાઓનો
ખાલીખમ્મ થ્યો લોટો........0 comments


Leave comment