38 - શ્યામલ શ્યામલ / દિલીપ જોશી


હળવે પગલે સંચરતું કોઈ તાકે છે પરવાળું રે
ભીલડી જળમાં ન્હાય રે જળને શ્યામલ શ્યામલ ભાળું રે......

આભ પછેડી ફાટેલી ‘ને રૂપ ડોકિયાં કરતું રે
ધસમસતું એકાન્ત રાતને ખૂણે – ખૂણે ડસતું રે.....
સપનાંની છાલ્લકથી સઘળું થઇ જાતું લજ્જાળું રે
ભીલડી જળમાં ન્હાય રે જળને શ્યામલ શ્યામલ ભાળું રે......

સોનેરી કેડી લઈ આવ્યાં સગપણમાં અંધારાં રે
સ્પર્શ કરું કે ઉક્કેલાતા રેશમના અણસારા રે....
હાથવગી સમજણનું ફૂટ્યું કોઈ પળે અજવાળું રે
ભીલડી જળમાં ન્હાય કે જળને શ્યામલ શ્યામલ ભાળું રે......0 comments


Leave comment