39 - રંગમોલની ઘટનાઓ / દિલીપ જોશી


આ અધમીંચેલી આંખો વચ્ચે ઊમટ્યા રે કાંઈ દરિયાઓ, દરિયાઓ !
આ અંધારું ઓથે લઈ આવ્યા ચોર સમાણાં સપનાઓ, સપનાઓ !

આભે વળ ચડ્યા વાદળના
ફેક ચડ્યા રે તરંગ જળના
શુકન થિયા કલ્પેલી પળના

આ આઠેકોઠે દીવા કરતો શ્રાવણ છે કે ઈચ્છાઓ, ઈચ્છાઓ ?
આ સ્પર્શ નામના મંત્રોચ્ચારે ઘેનઘૂઘવતી ભાષાઓ, ભાષાઓ !

સમ્મુખ છોળ ભર્યો ઓછાયો
અમલ સુધારસ ભરભર પાયો
સહજ વાતનો ઢોલ પિટાયો

આ ધ્રિબાંગ કરતો કાળ ખાબકે જીવ સોંસરા પડઘાઓ, પડઘાઓ !
આ પ્રીતવછોઈ – કફનીભીની કલરવ કરતાં તડકાઓ, તડકાઓ !

લીરે લીરે સુગંધ ઊડે
જુલ્ફે જુલ્ફે ઝરણાં કૂદે
કામણગારો પંથ ન ખૂટે

આ નાભિથી નક્ષત્ર સુધીના તૃપ્ત સમયના સજદાઓ, સજદાઓ !
આ ફટાક ફફડી ફોટો થાતી રંગમોલની ઘટનાઓ, ઘટનાઓ !0 comments


Leave comment