41 - જરાક અમથાં ઝોંકે / દિલીપ જોશી
લીપેલું નામ કેમ ભૂંસું સ્મરણમાં આંખડી ઠરી રે મૂઈ
દોમદોમ વૈશાખી વર્તારો હોય ને વાદળી ઝરી રે મૂઈ
એકાદી લ્હેરખીને અડકું તો ઊઘડતું હળુહળુ મર્મર મેદાન
એકાદા ખૂણાને એકાદું સ્મિત દઈ ગણગણતું લીલ્લેરું પાન
આખ્ખો મલક ગઈ ભૂલી ગુલાબગોટ ખોબલે ભરી રે મૂઈ....
જર્જરતી ઝાંખરના ઉંબરિયે ઉંબરિયે ઝૂલે છે અઢળક આકાશ
એકાદી બારીના ખૂલવાથી ફૂટતી રે રૂંવેરૂંવામાં હળવાશ
કાગડાના બોલે બંધાઈ ‘ને આંગણે ઓકળી કરી રે મૂઈ.....
0 comments
Leave comment