43 - રાતો રૂમાલ થઇ ઊછળ્યો / દિલીપ જોશી


રાજ, રાતો રૂમાલ થઇ ઊછળ્યો
ભીનો ભીનો સંચાર
આછો આછો ગુંજાર
આજ, અવસર ગુલાલ થઇ ઊછળ્યો

માટી માટી સુગંધ લૂમે-ઝૂમે
ઓળઘોળાતો ઓછાયો બૂમે
એનાં પગલાંની આણ કોઈ દે’જો
એને પીઠી ચોળ્યાનું વેણ કે’જો
અંગે – અંગે મહેક
લઈ હરણાની ઠેક
સાદ સીમે ખ્યાલ થઇ ઊછળ્યો

મીઠા મીઠા ઉજાગરાઓ થાતા
સાવ કોરા કાગળિયા વંચાતા
એવી મોસમ ઘરેઘર વરસી
તોય પાંપણની પાળ રહી તરસી
આંખ લંબાતી જાય
વાત ફેલાતી જાય
અર્થ અમથો સવાલ થઇ ઊછળ્યો0 comments


Leave comment