47 - ચશ્માની આડ લઈ.... / દિલીપ જોશી


ચશ્માની આડ લઈ ખેલંદી આંખ લોલ લૂછીને ખિસ્સામાં મૂકજો
ભીડમાંથી વરસેલા એકાદા ચહેરાનું ટળવળવું સપનામાં મૂકજો...
સંજકના અજવાળે લીંપેલી ઓસરીનો પડછાયો ઓગળવા લાગે
ભાંભરતી સીમ યાદ પાડે રે ઉંબરે ને ઝાલરો રણઝણવા લાગે
દૂરદૂર વમળાતા ઘરનો અણસાર નભે એક એક પગલામાં મૂકજો....

છુટ્ટા પડ્યાની વાત એવી તો વસમી કે પગમાં આળોટે રે કેડી
દોમ દોમ વિસ્તરવા ઝંખે હળવાશ અને લાવે કોઈ સ્મરણોની બેડી
ભવભવનો સૂર મૌન ભીતરમાં ધરબીને આષાઢી ટહુકામાં મૂકજો.....0 comments


Leave comment