48 - ખોબે ભર્યું છે આકાશને / દિલીપ જોશી
કોણે ખોબે ભર્યું છે આકાશને ?
પૂછવાનું મન થતું ઝાકળની લીલપમાં
પોઢેલાં અવસર ઉલ્લાસને !
કોણે માટીથી માયાનો બાંધ્યો સંબંધ ?
કોણે પાણીમાં પ્રોર્વ્યો અરીસો ?
કોણે ફૂલોને છાતી પર ટાંગ્યા ઋજુલ ?
કોણે આખ્ખો યે પ્હેર્યો બગીચો ?
પ્હેરણ જો હોય તો એ સૂકવી શકાય
નથી સૂકવી શકાતી આ પ્યાસને
કોણે અંધારું કાયમ ઊલેચ્યા કર્યું ?
કોણે સૂરજને દીધી સલામી ?
કોણે પથ્થરમાં ઝરણાંની ઝાંખી કરી ?
કોણે આંખોની વાચાઓ પામી ?
ખંખેરું કઈ રીતે વળગણ વચાળે
મઘમઘતા મારા આભાસને ?
0 comments
Leave comment