61 - સુપ્રભાતે / દિલીપ જોશી
સૂરજનો ચ્હેરો ઝાકળની તાસકમાં ઢોળાય
પળેપળ અજવાળું રેલાય
પળેપળ અજવાળું રેલાય......
તડકો માથે મૂકી બેડા પાદરમાં ભીંજાય
પછી પાણિયારે આખુંયે તળાવ આવી જાય
ચેતનવંતુ રેશમ ફળિયે – ફળિયામાં પથરાય
પળેપળ અજવાળું રેલાય
પળેપળ અજવાળું રેલાય.....
ઓઢણીઓના ઇન્દ્રધનુષથી રસ્તાઓ ઉભરાય
રંગરંગના પગરવ લઈને ઘર, ઉંબર મલકાય
ખિલખિલતું આકાશ અચાનક ખોબામાં ઝિલાય
પળેપળ અજવાળું રેલાય
પળેપળ અજવાળું રેલાય.........
0 comments
Leave comment