64 - ગામ / દિલીપ જોશી


જરા જ્યાં આંખ મીંચું કે અણસારામાં ઝળહળ થાતું ગામ
સ્મરણની એક એક ઘટનામાં ઝરમર વાદળ થાતું ગામ

હલકથી કોઈ ખીલેથી છૂટી મૂકે આખેઆખી સીમ
પછી એ પાદર, જંગલ, ઝાડી વચ્ચે ભાંભરતી પશ્ચિમ
પળેપળ પાર વગરના વળગણ લઈને અંજળ થાતું ગામ
સ્મરણની એક એક ઘટનામાં ઝરમર વાદળ થાતું ગામ

પવનને કાન ધરું તો કેડી ઝાંઝર પહેરી દોડી જાય
ઉતાવળ સાંજપરીની પાની વચ્ચે અધકચરી પરખાય
ઘડીમાં ટમટમતા નભની પછવાડે કાજળ થાતું ગામ
જરા જ્યાં આંખ મીંચું કે અણસારામાં ઝળહળ થાતું ગામ0 comments


Leave comment