65 - વર્ષો પછી ગામમાં આવતા / દિલીપ જોશી


ધૂળિયો મારગ ગામનો મારી આંખમાં ફાટંફાટ ઊછળતો
પનિહારીના બેડલે દરિયો ચકળવકળ જોબનનો પૂરપાટ ઊછળતો

વડવાયુંને હીંચકે બેઠો પહેલ્લવ્હેલ્લેરા ફૂલગુલાબી શ્વાસનો પરિચય
મંન ભરીને એમ થયો રે ખુલ્લંખુલ્લા ઝાકળ સાથે ઘાસનો પરિચય
અણિયાળી એક આંખમાં સહેજ ડોકિયું કરતા વીજળી શો થનગાટ ઊછળતો

આજ ફરીને ઝબકોળી દઉં ખોળિયું મારું હેતનીતરતા પૂરની વચોવચ
એક પછી એક્ દિવસો એના સથવારાના સપને આવી ઊભા અડોઅડ
ઘડી – ઘડીમાં ગામઠી પવન ઓઢણી તાણી જાય અને મલકાટ ઊછળતો

ધૂળિયો મારગ ગામનો મારી આંખમાં ફાટંફાટ ઊછળતો0 comments


Leave comment