70 - માણસ ખોળવો હોજી / દિલીપ જોશી


ઝંખો રે દીવો ને ઝાંખા તેજ રે હોજી....
અવળા એંધાણે દરિયો ડોળાવો હોજી
આછી રે અજવાળી ઓઢી ચૂંદડી હોજી
મેળા વચાળે માણસ ખોળવો હોજી

પંખી પવન કેરી ગત્ય શું જાણે રે ?
ઊડવા આકાશ મળ્યું મોકળે હોજી
વાણાપૂર પાળ બાંધી રોક્યું રોકાય શે’ રે ?
તળિયેથી શબ્દ તાતા નીકળે હોજી

પગલું પાતાળ પગલું થાંભલો હોજી
ક્યાંથી ગોવર્ધન પળમાં પોંખવો હોજી?

જુગતિ-પ્રયુકિત તો જોર-જુલમ છે રે
મુઠ્ઠી હવાને કેમ બાંધવી હોજી ?
ભાંગ્યા વચન ભાગ્યું મન માણિગર રે
મોતીની સેર શેંણે સાંધવી હોજી ?

જીવ રે ઝમરખ રેલો રેવાલ હોજી......
કોનો તોખાર કોણે રોકવો હોજી......0 comments


Leave comment