72 - જાળ / દિલીપ જોશી


હાથમાં ઝીણી જાળ બધાના હાથમાં ઝીણી જાળ
પગને ઘેલું ચમકારનું ., મનમાં ફૂટ્યો ઢાળ

પાંગરે પળમાં મોતી એવું વરસ્યું ઘેનેઘેન
ફૂલની માફક શ્વાસ સુગંધી તરતર હો દિનરેન
આંખથી કૂદી જાઉં છું આખા નભની પાળેપાળ

કોઈ કીડીના પડછાયામાં કુંજર થાશે ગુમ્મ
આજનો દિ’ને કાલની ઘડી ચૂમવી હોતો ચૂમ્મ
ભીડમાં ભળવું એટલે થવું હકડેઠઠ વાચાળ

ભીંજવે સહુને ટહુકો એવું સુખ છે ચારેકોર
કાનથી જોઈ આંખથી ઝીલ્યો જીવનો તોરેકોર
સરકતી ઓચ્છવપરીની પકડી કોણે ચાળ ?0 comments


Leave comment