74 - અસ્તિત્વ / દિલીપ જોશી


ઉગમણા આથમણા વચ્ચે બારણું !
ઝુલાવે રે શશિયર- સૂરજ પારણું !

માઢૂકી મેડીએ સોમલ ઘૂંટવો
દોથે-દોથે રસચંદરવો લુંટવો
ડાબે-જમણે લખચોર્યાસી માંડવો
પૃથવી જાણે મહિયારીનો હાંડવો
કોણે ભૂલું, કોનું લઉં ઓવારણું ?

ઉઘાડે આકાશે ગાળ્યો વીરડો
અંધારે અટવાયો તરસ્યો જીવડો
વરસ્યો રે વીતક જેવો છાંયડો
અગમના એંધાણે ઊભું આંગણું....

તણખલાને તોલે આવ્યો વાયરો
સામે કાંઠે સમરથ સોહે સાથરો
ફૂંકે ફૂંકે બૂઝયું બૂઝ્યું તાપણું0 comments


Leave comment