80 - સ્વપરિચય / દિલીપ જોશી


આખર તો એક પરપોટો છે દિલપો !
ચપટીક આંસુઓ મૂકી
મુઠ્ઠીક ઉલ્લાસ વે’રી
ઘરઘર ટીંગાઈ જતો ફોટો છે દિલપો !

આખું યે નભ જેની આંખ્યુંમાં હોય
એના ખોબામાં દરિયો તો ટીપું
પરવત સમુંય બધું ઓગળતું જાય
એવા આંગણમાં લજ્જાને લીંપું
મનગમતી પળ વિષે, ઊછળતા વાયરામાં
ઊડતો ગુલાલ, ગલગોટો છે દિલપો !

મંજરીને અડક્યો કે મ્હોરી ઊઠ્યો રે પવન
વરસે છે ચોગમ હરિયાળી
ખુલ્લાં વેરાનમાંય ભમરા ઊડયા રે એવા
વળગણને કોણ શકે ટાળી ?
કોઈકની નજરમાં એ ધૂળ બની વીખરાતો
વમળાતી સાંજનો લિસોટો છે દિલપો !

આખર તો એક પરપોટો છે દિલપો !0 comments


Leave comment