81 - કંઇક ઝાંખો થયો / દિલીપ જોશી


રે તિમિરનો તાર તૂટી તારો થયો
કંઇક ઝાંખો થયો રે કંઇક ઝાંખો થયો
દિલપાનો દીવો કંઈક ઝાંખો થયો

૭૦’માં ચોમાસે ઊભું ટટ્ટાર એક
- એવું મકાન છે આ દિલપો !
સેંકડો બગીચાઓ પાર કરી દીધેલું
ફૂલનું વિમાન છે આ દિલપો !
કંકણવત્ આભલામાં શરમાવું મૂકીને
હાથ કોઈ અડવો નોંધારો થયો
રે તિમિરનો તાર તૂટી તારો થયો
કંઇક ઝાંખો થયો રે કંઇક ઝાંખો થયો
દિલપાનો દીવો કંઈક ઝાંખો થયો

અડકો તો ઓગળતું જાય એવી ઘટનામાં
પથ્થર હશે કે હશે પાણી ?
કેડીને પગલાંની જાણ કશી થાય નહીં
એમ જાય દિલપાને તાણી
હલતી હવામાં એની ચીતરાતી હાજરીનો
લીલોચટ્ટાક અણસારો થયો
રે તિમિરનો તાર તૂટી તારો થયો
કંઇક ઝાંખો થયો રે કંઇક ઝાંખો થયો
દિલપાનો દીવો કંઈક ઝાંખો થયો0 comments


Leave comment