82 - નભને વળગી મેશ / દિલીપ જોશી


પળનો ખેલી ખેલ અમે તો ચાલ્યા રે પરદેશ
જળમાં ઝળહળ દીપ જલે ‘ને નભને વળગી મેશ

સૂતરને તાંતણિયે આખું લટકે છે બ્રહ્માંડ
જળ – સ્પર્શના ઝટકે ઝટકે ગળશે માટી – પ્હાડ
કોઈ અજાણ્યો સાદ સફરનો દે’તોરે આદેશ

ઝરમર વરસી આંખ કદી ક્યાં કહેવાતી આષાઢ ?
દર્પણમાંથી પસાર થાતાં પડછાયા કંઈ ગાઢ !
ફૂલોની ચાદર વચ્ચે ‘મા’ મુગ્ધ પસારે કેશ

જળમાં ઝળહળ દીપ જલે ‘ને નભને વળગી મેશ......0 comments


Leave comment