83 - ફોગટ ફેરો ક્યાંથી ? / દિલીપ જોશી


કે અમને અંગૂઠાથી ઝામણ ચડ્યું ઝેર રે અંગે – અંગ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?
કે છૂટ્યો એક ઘડીમાં થાગડથીગડ ભાવનો સંગેસંગ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?

પાનખરે પણ પાન ફૂટે રે એવો પામ્યા સ્પર્શ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?
ઓચિંતાના મોભ ઠેકતાં નીકળ્યા સોળે વર્ષ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?
હૈયા – ઉકલત સોંસરવા ઉકેલ્યા રે પ્રસંગ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?.........

વણલખાયલ ભાષાના પૂરપાટ સંદેશા વાંચ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?
સાચવજે સપનું સોળઆની, તૂટ્યું તો એ કાચ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?
કાગ બોલતા પગરવ પગરવ છંટાયો ઉછરંગ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?.........

ઉંબર વચ્ચે ઢગલો થઈને રોકે શ્વાસોશ્વાસ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?
કોઈ આંખનું બખોલછાયું આવ કહે આકાશ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?
આસવ જેવું છલકે છે એકાન્ત ‘ને ઘૂંટ્યો રંગ
અમારો ફોગટ ફેરો ક્યાંથી ?.....0 comments


Leave comment