40 - ૧૪ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      કેસેટ પ્લેયરમાં વાણી જયરામ ગાય છે ‘પ્રાણ હમારા વહાઁ બસત હૈ યહાં તો ખાલી ખોલ...’ આ પહેલાં લતાના સ્વરમાં મીરાંના ભજન સાંભળેલાં. લતાના સ્વરની મીઠાશમાં ધીરે ધીરે ઝમ્યા કરે મીરાંની તન્મયતા. પહેલી વાર અનુભવ્યું કે જુદો સ્વર અને જુદી બંદિશ ‘શબ્દ’ને નખશિખ બદલી નાંખે છે. વાણીના સ્વર અને રવિશંકરની સ્વરગૂંથણીમાં મીરાં નાચતી અને ગાતી, બંને અનુભવાય... શ્યામ અને ચાકર રાખોજી... સમર્પણ ભાવનો ધસમસતો પ્રવાહ. મમ્મીને અતિપ્રિય છે મીરાં. એટલે જ તો એણે મારું નામ મીરાં રાખ્યુછે. પરંતુ માત્ર સરખાં નામથી મીરાંની ભક્તિ, સમર્પણ અને સાહસ થોડાં મેળવી શકાય ?

      અત્યારે નવાનગરમાં બેઠી છું અને જીવ છે અમદાવાદ. હતું કે આવતી કાલે સવારે વૃંદાને લેવા સ્ટેશને જઈશ. ‘અમારાં’ શિરીષનાં ફૂલો લઈને... આ દિવસોમાં શિરીષની ડાળીઓ, મારી બારી અને અગાશી પર ઝૂકતી આવે છે, હાથમાં મઘમઘતા દીવડા લઈને ! બર્થ ડે કેક પર ટમટમતા શિરીષનાં ફૂલ મૂક્યાં હોય તો ! કામવાળી સવિતા પાસે કેસૂડા ય મંગાવી રાખ્યા’તા, આવતીકાલ માટે... પૂરા સત્તર દિવસ પછી મળીશું અમે... અને અમારી વાતો...

      ક્યારેક જે પળોની તમે અવનવી કલ્પનાઓ કરી હોય, તીવ્ર ઝંખના કરી હોય, એ જ તમારા હાથમાં ન રહે...

      આજે સવારે અગિયાર વાગ્યે મમ્મીનું પોસ્ટકાર્ડ મળ્યું – ‘કામ છે આવી જા.’ એક વાગ્યાની બસ મળી. રસ્તામાં જાતજાતનાં વિચાર... શું હશે ? બીમાર? કે પછી સ્કૂલમાં કંઈ પ્રોબ્લેમ ? માંડ ઘર આવ્યું. આવી તો મમ્મી સ્કૂલે ગઈ હતી. બાજુવાળાં નલિનીબહેને કહ્યું કે એ તો તને ધૂળેટી કરવા બોલાવી છે. બસ, આટલા માટે ? કશું જ ખાધા-પીધા વિના રૂમમાં સૂઈ ગઈ. સાડા પાંચે સ્કૂલેથી વળતાં મમ્મી મારી ભાવતી દાબેલી લઈને આવી. મને સૂતેલી જોઈ રૂમમાં આવી તો હું પડખું ફરી ગઈ. મમ્મીની પાછળ પાછળ આવેલો નલિનીબહેનનો બાબો રુદ્રાક્ષ કહે, ‘બા બેનને છું થયું ?’ મમ્મી કહે, ‘રડે છે બેન.’ ‘છી, દંદી બેન !’ – રુદ્રાક્ષના પ્રમાણપત્રે મને હસાવી દીધી.

      પરમ દિવસે મમ્મી પ્રિન્સિપાલનો ચાર્જ લેશે. મને સરપ્રાઈઝ આપવા એણે પાડોશમાં પણ કહ્યું ન હતું. ભાગ પડાવનારની ખોટ ‘સુખ’માં પણ સાલે છે.


0 comments


Leave comment